નવી દિલ્હી: વિજય માલ્યા લંડન ભાગી ગયો તે પહેલા કથિત રીતે નાણામંત્રી અરુણ જેટલીને મળ્યો હતો તેવા તેના નિવેદન બાદ હવે કોંગ્રેસ મોદી સરકારને ઘેરવાની પૂરેપૂરી કોશિશ કરી રહી છે. આથી કોંગ્રેસે આજે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને એકવાર ફરીથી માલ્યાની નાણામંત્રી સાથે મુલાકાતનો દાવો કર્યો. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સૂરજેવાલા, વરિષ્ઠ નેતા અશોક ગેહલોત તથા પીએલ પુનિયા પણ સાથે હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુનિયાને પ્રેસ કોન્ફરન્સમાં એટલા માટે લાવવામાં આવ્યાં હતાં કારણ કે તેમનો દાવો તેઓ દેશભરના મીડિયા સામે રજુ કરી શકે. જેમાં તેમણે માલ્યાએ લંડન ભાગતા પહેલા સંસદમાં જેટલી સાથે મુલાકાત કરી હોવાનો દાવો કર્યો હતો. વરિષ્ઠ નેતા પીએલ પુનિયાએ ગુરુવારે દાવો કર્યો હતો કે 'મેં લિકર કિંગ વિજય માલ્યાને દેશમાંથી ભાગ્યાના બે દિવસ પહેલા સંસદના સેન્ટ્રલ હોલમાં નાણામંત્રી જેટલી સાથે વાત કરતા જોયો હતો.'


પુનિયાએ દાવો કર્યો કે હું સંસદભવનના સેન્ટ્રલ હોલમાં બેઠો હતો અને જોયું કે માલ્યા તથા જેટલી એકબાજુ ઊભા રહીને સારી રીતે વાત કરતા હતાં. તેમણે એક કે બે મિનિટ નહીં પરંતુ 15-20 મિનિટ સંસદ ભવનના ખૂણામાં ઊભા રહીને વાતચીત કરી. માલ્યા તે સત્રમાં ખાસ જેટલીજીને મળવા માટે સંસદ આવ્યો હતો. 


તેમણે કહ્યું કે જ્યારે મેં મીડિયામાં છપાયેલું જોયું કે વિજય માલ્યા દેશ છોડીને ભાગી ગયો છે તો અચાનક જ મારું રિએક્શન એ હતું કે હજુ બે દિવસ પહેલા તો મેં તેને જોયો હતો અને તે અરુણ જેટલીને મળ્યો હતો. મેં મીડિયામાં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો કે બે દિવસ પહેલા માલ્યા જેટલીને મળ્યો હતો. તેના બધા પૂરાવા છે. 


પુનિયાએ આગળ કહ્યું કે જેટલીએ અઢી વર્ષ સુધી તેના પર રહસ્ય જાળવી રાખ્યું. સંસદમાં ડિબેટ દરમિયાન નાણામંત્રીએ જવાબ પણ આપ્યો અને તેમણે તેનો ઉલ્લેખ સુદ્ધા કર્યો નહીં. મારો પડકાર છે કે સીસીટીવી કેમેરામાં ફૂટેજ જોઈ લો, તેમાં બધુ હાજર છે. સાબિત ન થયું તો તેઓ રાજકારણ છોડી દે કાં તો હું છોડી  દઉ. તેઓ સરકારમાં રહેવા લાયક નથી. આ વાતના પૂરેપૂરા રેકોર્ડ છે કે પહેલી તારીખે  તેઓ સંસદમાં આવ્યાં હતાં. અને જેટલીજીની સાથે વાતચીત કરી હતી. સલાહ લઈને મંજૂરી લઈને ગયા છે.